આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.
1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો
7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો
8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”
10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે
11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો
12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
13. તમારી વાત ટુંકમાં કરો.
14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો
16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.
17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”
20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.
25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
નોંધ:
૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
૩) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.
અધીર અમદાવાદી
Subscribe to:
Post Comments (Atom)
Good one!
ReplyDelete