૭૬. ભોજનેશું માતા અને શયનેષુ રંભાને એવું બધું બહુ વિચારવું નહિ. ભોજનમાં ખીચડી ને શયન ખંડમાં પંખો મળે તો સંતોષ માનતા શીખો.
૭૭. એ ઝડપથી ચાલી શકતી હોત તો વોકાથોનમાં ભાગ લેવા ના જાત ? કુતરું કે ગાય આસપાસમાં ના હોય ત્યાં સુધી એ ઝડપથી ચાલે એવી આશા ના રાખશો.
૭૮. તમારી રૂપાળી એક્સ ગર્લફ્રેન્ડ સામે મળી જાય તો એનો હાથ ક્યારેય છોડી ના દેશો. આ એજ છે જેને તમે મોટા ઉપાડે પરણ્યા હતા, હવે એમાં આજે શરમાવા જેવું શું છે ?
૭૯. એ જેમ છે એમ એને સ્વીકારો. જો કોઈ ના કહેવાથી કોઈ બદલાઈ શકતું હોત તો એણે તમને પહેલા બદલી નાખ્યા હોત !
૮૦. એનો ફોન અધૂરા વાક્યે કટ ના કરો. અને 'સારું પછી ફોન કરું છું' એવું તો કદીયે ના કહેશો. ઓફિસમાંથી ફોન પર વાત થતી હોય તો કોઈ મહિલા કલીગ હસે નહિ તેવી તકેદારી રાખો.
૮૧. રસ્તો ક્રોસ કરતી વખતે એને નક્કી કરવા દો કે રસ્તો ક્યારે અને ક્યાંથી ક્રોસ કરવો.સપ્તપદીમાં તમારો હાથ પકડીને અડધો કલાક ગોળ ફરવું એક વાત છે ને રોડ ક્રોસ કરવો બીજી.સપ્તપદીમાં એક્સીડેન્ટના બહુ ઓછા ચાન્સ હોય છે !
૮૨. એના ધોળા થતા વાળ ને નજર અંદાજ કરો. જેમ કે એ તમારી ટાલને કરે છે !
૮૩. ફિગર શું છે ? એક આંકડો ? આંકડાની માયાજાળમાં ના પડશો.
૮૪. લગ્નના રીસેપ્શનમાં શરણાઈ વગાડવાના બદલે 'જો તુમ કો હો પસંદ વોહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે' ગીત રીપીટ મોડ પર વગાડો.
૮૫. આ એજ સ્ત્રી છે જેની સાથે તમે ફોન પર એટલી લાંબી વાત કરતા હતા કે વાતચીતમાં એની ખીચડી દાઝી જતી હતી. હવે બહારગામ ગયા હોવ તો કમ સે કમ મેગી દાઝી જાય ત્યાં સુધી તો ફોન કટ ના કરો !
૮૬. ઓફિસમાં કોઈ સ્ત્રી સહકર્મચારી હોય તો ઘેર જતા પહેલા કપડા પર કોઈ વાળ નથી તે ચેક કરી લો.
૮૭. એની સરખામણી કોઈ કાર સાથે કરવી હોય તો કમસેકમ ફિયાટ અને એમ્બેસેડર તો છોડી દો યાર !
૮૮. એની મા જો તમને નીરુપા રોય જેવી લાગતી હોય તો છોકરી કેટરીના જેવી લાગે તેવી આશા કેમ રાખો છો ?
૮૯. કાઠીયાવાડમાં ચા અને શરબત વચ્ચે તાપમાનનો જ ફરક હોય છે એ લોથલ જોક છે. હવે એને ત્યાં કેટલી ગળી ચા બને છે એના બખાળા લગ્નના પાંચ વરસ પછી ના કરાય.
૯૦. એના પપ્પા તમને હિટલર લાગતા હોય તો હિટલરની છોકરી સાથે લગન કર્યાનો તમારે ગર્વ લેવો જોઈએ.
૯૧. એ જીમ જોઈન કરવા ઈચ્છતી હોય તો કરવા દો. જો તમે ના પાડશો તો જિંદગીભર તમારે કારણે એ બેડોળ દેખાય છે એવું લાંછન લાગશે. અને હા પાડશો તો એક જ અઠવાડિયામાં એને તાવ આવી જશે અને તમે આખી જીંદગી જીમના પૈસા પાણીમાં ગયા એવું ગાઇ શકશો. જાડી તો એ કોઈ પણ સંજોગોમાં દેખાશે જ.
૯૨. પુરુષ ના હોત તો બરણીના ઢાંકણા કોણ ખોલત ? ટાઈટ ફસાયેલી તપેલીઓ કોણ છૂટી પાડત ? કે નારિયેળ કોણ છોલી આપત?? એવા વ્યર્થ વિચારો ન કરવા.
૯૩. ખાના-ખજાના જેવા કાર્યક્રમો માત્ર જોવા માટે હોય છે. એ જોઈ, રેસીપી મુજબ એ ઘરમાં ખાવાનું ન બનાવે એ જ સમગ્ર પરિવારના હિતમાં છે. આ બાબતે ખોટો આગ્રહ રાખવો નહિ.
૯૪. એ તૈયાર થતી હોય ત્યારે રાહ જોતી વખતે થઇ શકે તેવા કામોનું લીસ્ટ બનાવો અને ફેસબુક પર પોસ્ટ કરો. જનહિતમાં.
૯૫. પુરુષ હોય એટલે સાવરણી ન પકડાય એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? બતાવો ચલો.
૯૬. સ્ત્રી ગમે એટલી પુરુષ-સમોવડી હોય દિવાળીમાં માળીયામાં તો પુરુષે જ ચઢવાનું હોય.યાર,ગરોળીનો ડર તો લાગે જ ને !
૯૭. સાસરા વિષે ગમે તેવા શબ્દો ક્યારેય ન વાપરો. એ પિયર ગઈ હોય તો યાર એ પાકિસ્તાન ગઈ છે એમ કહેવાય ? આટલી દુશ્મનાવટ ?
૯૮. રાત્રે નસકોરા બન્નેના બોલે છે. તમને ઊંઘ ના આવે એમાં એનો વાંક ના કાઢો.
૯૯. એને ગાર્ડનીંગનો શોખ જાગ્યો છે ? તમે એનો ક્યારેય વિરોધ ના કરતા કારણકે એક વરસ પછી તમારા ફ્લેટની બાલ્કનીમાં માત્ર ત્રણ જ કુંડા હશે, ૧) ઓફીસ ટાઈમ, ૨) તુલસી અને ૩) મનીપ્લાન્ટ. હવે એ આને ગાર્ડનીંગ માનતી હોય તો માનવા દો ને યાર !
૧૦૦. પરણિત પુરુષે ડ્રાઈવર, રામો, સફાઈ કામદાર, કુલી, મિત્ર, પેટ, ઇલેક્ટ્રીશિયન, વિ.વિ. ઘણા પાત્રો ભજવવાના હોય છે. તમે આ અંગે પુરતો અનુભવ ધરવતા ન હોવ તો એ તમારી સમસ્યા છે.
૧૦૧. તમે એની સમક્ષ ગાવાની કોશિશ ન કરશો. એથી ઉલટું, તમે એને ગાવા માટે કહી જેવી એ આંખો બંધ કરી ગાવા લાગે તમે છાપું વાંચવાનું ચાલુ કરી દો. ગીત પૂરું થતા એનો અવાજ પેલી કોક નવી સિંગર સાથે મળે છે તેવા કોમ્પ્લીમેન્ટ આપો.
by અધીર અમદાવાદી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment